1 Peter 3

1તે જ પ્રમાણે, પત્નીઓ, તમે તમારા પતિઓને આધીન રહો, એ માટે કે જો કોઈ પતિ વચન માનનાર ન હોય તો તે પોતાની પત્નીના આચરણથી, 2એટલે તમારાં મર્યાદાયુક્ત શુદ્ધ વર્તન દ્વારા વચન વગર મેળવી લેવાય.

3તમારો શણગાર બાહ્ય, એટલે ગૂંથેલા વાળનો, સોનાનાં ઘરેણાંનો અથવા સારાં વસ્ત્ર પહેરવાનો ન હોય; 4પણ અંતઃકરણમાં રહેલા ગુપ્ત મનુષ્યત્વનો, એટલે દીન તથા નમ્ર આત્માનો, જે ઈશ્વરની નજરમાં ઘણો મૂલ્યવાન છે, તેના અવિનાશી આભૂષણોનો હોય.

5કેમ કે પ્રાચીન સમયમાં જે પવિત્ર સ્ત્રીઓ ઈશ્વર પર ભરોસો રાખતી હતી, તેઓ પોતપોતાના પતિને આધીન રહીને, તે જ પ્રમાણે પોતાને શણગારતી હતી. 6જેમ સારા ઇબ્રાહિમને સ્વામી કહીને તેને આધીન રહેતી તેમ; જો તમે સારું કરો છો અને કંઈ ભયથી ગભરાતી નથી, તો તમે તેની દીકરીઓ છો.

7તે જ પ્રમાણે પતિઓ, સ્ત્રી નબળી વ્યક્તિ છે તેમ જાણીને તેની સાથે સમજણપૂર્વક રહો, તમે તેની સાથે જીવનની કૃપાના સહવારસ છો એમ ગણીને, તેને માન આપો, તો જ તમારી પ્રાર્થનાઓ માન્ય કરાશે.

8આખરે, તમે સર્વ એક મનના, એકબીજાના સુખદુઃખમાં સહભાગી, ભાઈઓ પર પ્રેમ રાખનારા, કરુણા કરનાર તથા નમ્ર થાઓ. 9દુષ્ટતાને બદલે દુષ્ટતા અને નિંદાને બદલે નિંદા ન કરો, પણ તેથી ઊલટું આશીર્વાદ આપો; કેમ કે તેને સારુ તમને તેડવામાં આવ્યા છે કે જેથી તમે આશીર્વાદના વારસ થાઓ.

10કેમ કે, ‘જે માણસ સારું જીવન જીવવા ઇચ્છે છે અને સારા દિવસો જોવા ઈચ્છે છે, તેણે પોતાની જીભને દુષ્ટતાથી અને પોતાના હોઠોને કપટી વાતો બોલવાથી અટકાવવા; 11તેણે દુષ્ટતાથી દૂર રહેવું, ભલું કરવું; શાંતિ શોધવી અને તેમાં પ્રવૃત્ત રહેવું. 12કેમ કે ન્યાયીઓ પર પ્રભુની નજર છે; અને તેઓની તેમની પ્રાર્થના પ્રત્યે તેમના કાન ખુલ્લા છે; પણ પ્રભુ દુષ્ટતા કરનારાઓની વિરુદ્ધ છે.

13જે સારું છે તેને જો તમે અનુસરનારા થયા, તો તમારું બુરું કરનાર કોણ છે? 14જો તમે ન્યાયીપણાને માટે સહન કરો છો, તો તમે આશીર્વાદિત છો; તેઓની ધમકીથી ડરો નહિ’ અને ગભરાઓ પણ નહિ.

15પણ ખ્રિસ્તને પ્રભુ તરીકે તમારાં અંતઃકરણમાં પવિત્ર માનો; અને તમારી જે આશા છે તે વિષે જો કોઈ પૂછે તો તેને નમ્રતાથી તથા સત્યતાથી પ્રત્યુત્તર આપવાને સદા તૈયાર રહો. 16શુદ્ધ અંતઃકરણ રાખો કે જેથી, જે બાબત વિષે તમારું ખરાબ બોલાય છે તે વિષે જેઓ ખ્રિસ્તમાંના તમારા સારા વર્તનની નિંદા કરે છે તેઓ શરમાઈ જાય. 17કેમ કે જો ઈશ્વરની ઇચ્છા એવી હોય, તો દુષ્ટતા કરવાને લીધે સહેવું તે કરતાં ભલું કરવાને લીધે સહેવું તે વધારે સારું છે.

18કેમ કે ખ્રિસ્તે પણ એક વાર પાપોને સારુ, એટલે ન્યાયીએ અન્યાયીઓને બદલે સહ્યું કે, જેથી તેઓ આપણને ઈશ્વર પાસે પહોંચાડે; તેમને દેહમાં મારી નંખાયા, પણ આત્મામાં સજીવન કરવામાં આવ્યા. 19તે આત્મામાં પણ તેમણે જઈને બંદીખાનામાં પડેલા આત્માઓને ઉપદેશ કર્યો. 20આ આત્માઓ, નૂહના સમયમાં, જયારે વહાણ તૈયાર થતું હતું અને ઈશ્વર સહન કરીને ધીરજ રાખતા હતા, અને જયારે વહાણમાં થોડાં, એટલે આઠ જણ પાણીથી બચી ગયાં ત્યારે અનઆજ્ઞાંકિત હતા.

21તે દ્રષ્ટાંત પ્રમાણે બાપ્તિસ્માનું પાણી, શરીરનો મેલ દૂર કરવાથી નહિ, પણ ઈશ્વર પ્રત્યે શુધ્ધ અંતઃકરણની માગણીની ઈસુ ખ્રિસ્તના પુનરુત્થાન વડે હમણાં તમને પણ બચાવે છે. તેઓ (ઈસુ) તો દૂતો, અધિકારીઓ તથા પરાક્રમીઓને પોતાને સ્વાધીન કરીને સ્વર્ગમાં ગયા અને ઈશ્વરને જમણે હાથે બિરાજમાન છે.

22

Copyright information for GujULB